આપણા ભારતનો સાંસ્કૃતિક વારસો સદીઓ પુરાણો છે. જેમાં ચિત્રકલા, નૃત્ય કલા, શિલ્પ અને સ્થાપત્ય, સંગીત અને બીજી ઘણી બધી કલાઓ જે આપણું ગૌરવ છે. ભારત સરકાર આપણી આ સાંસ્કૃતિક ધરોહારને આગળની પેઢીઓ સુધી લઇ જવાના તમામ પ્રયત્નો કરી રહી છે, તથા કારીગરોને પ્રોત્સાહન આપી રહી છે. આજે વિશ્વભરમાં આપણી કલાઓની એક ખાસ ઓળખ છે.

મહિલા સશક્તિકરણ અને રોગાન કલા
મહિલા સશક્તિકરણ એટલે મહિલાઓને ફક્ત આર્થિક રીતે પગભર કરવી એમ નહી પણ મહિલાઓમાં આત્મવિશ્વાસનું સશક્તિકરણ કરવું એમ કહેવાય. મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં પારંગત છે જેમકે ચિત્રકલા, રોગાન કલા, સંગીત, નૃત્ય, રમત ગમત, ભરત કામ,માટી કામ, મોતી કામ, સિલાઈ કામ, સુશોભન કલા, રાજકારણ, શૈક્ષણિક, ખેતીવાડી વગેરે. અત્યારે પણ નાના ગામડાઓમાં એવી ઘણી બહેનો છે જે ફક્ત ઘરે રહી ને જ કામ કરે છે અને એવી ઘણી કલાઓ સાથે સંકળાયેલ છે જેની બહાર કોઈને ખબર જ નથી. ઘણી બહેનો એવી પણ છે જેમને સોશ્યિલ મીડિયાની જાણકારી જ નથી એવી મહિલાઓની કારીગરીની દુનિયાને જાણકારી જ નથી. આવી મહિલાઓને બહાર લાવવી એ નાનુસૂનું કામ નથી.

રોગાન કલા: રોગાન નામ સંસ્કૃત “रङ्गन्” (rangan)
રોગાન કલા એક ખાસ પ્રકારની ચિત્રકલા છે જે ડ્રાયિંગ ઓઇલ ટેક્નિકનો ઉપયોગ કરે છે. આ રોગાન નામ સંસ્કૃત “रङ्गन्” (rangan) એટલે કે રંગ કરવો એમ થાય. ગુજરાતીમાં તો આજે પણ ઘરોમાં ‘ રંગ રોગાન’ કરીએ છીએ એ શબ્દ પ્રચલિત છે. રોગાન કલા લગભગ 1550 વર્ષ જૂની કલા છે. યુનેસ્કો (UNESCO) દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં બામિયાન શહેરમાં આવેલી બૌદ્ધ ગુફાઓમાંથી રોગાન કલાના ઘણા બધા અંશો મળી આવ્યા. ભગવાન બુદ્ધની પેઇન્ટિંગમાં ડ્રાયિંગ ઓઇલ ટેક્નિક એટલે કે રોગાન કલાનો ઉપયોગ થયો હતો અને એ પેઇન્ટિંગ લગભગ 5મી સદીની પેઇન્ટિંગ માનવામાં આવે છે. ભગવાન બુદ્ધના અનુયાયીઓ દ્વારા આ પેઇન્ટિંગ બનાવવામાં આવી હતી જેના અંશો આજે પણ મોજુદ છે. આમ આપણી આ રોગાન કલા એ સદીઓ જૂનો અતિ મૂલ્યવાન વારસો છે અને આ વારસાને જાળવવો એ આપણી ફરજ છે.

રોગાન કલાનાં મહિલા કારીગરો
રોગાન કલા અત્યારના સમયમાં ફક્ત કચ્છમાં જ થઇ રહી છે અને એમાં પણ જૂજ કારીગરો જ છે. રોગાન કલામાં અત્યાર સુધી તો પુરુષ કારીગરોનો જ દબદબો હતો પણ હવે રોગાન કળામાં મહિલા કારીગરોએ પણ રંગ રાખ્યો છે એ ખરેખર ખૂબ જ ગૌરવ લેવા જેવી વાત છે. મહિલા કારીગરો રોગાન કલા તો વર્ષોથી કરતી હતી પણ જાહેરમાં આવતા અચકાતી હતી. જેમ આપણી ભારતની મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડકપ જીતી આવી અને દરેક મહિલાઓ માટે પ્રોત્સાહન સ્વરૂપ બની, એવી જ રીતે આપણી રોગાન કલાની મહિલા કારીગરો જાહેરમાં આવી પોતાની કળા બતાવી કે જેનાથી બીજી સ્ત્રીઓને પણ પ્રેરણા મળે. આજે રોગાન કલાના માસ્ટર કારીગર માધાપર ગામનાં આશિષ કંસારાએ પોતાની પત્ની કોમલ કંસારા અને અસ્મિતા સોનીને રોગાન કળામાં બહાર જાહેરમાં આવવામાં અને પોતાની રોગાન કળા પ્રદર્શિત કરવા માટે ખૂબ જ પ્રોત્સાહન આપ્યું છે તથા બીજી ઘણી બધી બહેનોને રોગાન કલાના માધ્યમથી રોજગારી આપી રહ્યા છે, ફ્રી માં ઘણી બહેનોને રોગાન કલા શીખવી રહ્યા છે. રોગાન કલા એટલે આપણી સાંસ્કૃતિક ધરોહર અને આ કલાનું જતન કારીગરો એ આપણા સમાજનું ગૌરવ અને આ કલામાં મહિલાઓનું યોગદાન એટલે સોનામાં સુગંધ ભળી.

રોગાન કલામાં મહિલા સશક્તિકરણ
રોગાન કલામાં મહિલા સશક્તિકરણની શરૂઆત કરી આશિષ કંસારાએ, પોતાની પત્નિ અને બહેનને રોગાન કલામાં પ્રોત્સાહન આપીને. આશિષ શાંતિલાલ કંસારા, રોગાન કલાના ઓથો્રાઈઝડ યુઝર છે, માધાપર, ભુજમાં રહે છે અને પોતાની પરંપરાગત રોગાન કલાનું જતન કરી રહ્યા છે. અત્યાર સુધી રોગાન કલામાં કોઈ મહિલાઓએ જાહેરમાં પોતાની કલા પ્રદર્શિત નહોતી કરી પણ આશિષ કંસારાના પ્રોત્સાહનના કારણે રોગાન કલાના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલાઓ દ્વારા રોગાન કલાનો લાઈવ ડેમો પ્રદર્શિત કરવામાં આવ્યો. 2 નવેમ્બર, 2025 નાં રોજ ભુજ હાટ, ગાંધી શિલ્પ બજારમાં રોગાન કલાના મહિલા કારીગર કોમલ કંસારા અને અસ્મિતા સોનીએ રોગાન કલાનો લાઈવ ડેમો બતાવ્યો. વર્ષોથી ઘરેથી જ રોગાન કલા કરતી મહિલાઓ જાહેરમાં આવી અને લોકોને અચંબિત કરી દીધા. રોગાન કલામાં મહિલા સશક્તિકરણની શુભ શરૂઆત થઇ.

ભારત સરકાર દ્વારા કારીગરોને પ્રોત્સાહન
આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આપણા લોકલ કારીગરોને પ્રોત્સાહન મળે એ માટે `વોકલ ફોર લોકલ ‘(Vocal for Local) અંતર્ગત ઘણા બધા કાર્યક્રમ ચલાવી રહી છે. દરેક રાજ્યમાં, જિલ્લાઓમાં તથા દરેક તાલુકામાં રહેલા આપણા વિવિધ કારીગરોને એક પ્લેટફોર્મ મળી રહે તે માટે આપણી ભારત સરકાર ક્રાફ્ટ બજાર, હાટ, ગાંધી શિલ્પ બજાર, એક્સીબીશન કમ સેલ અને બીજા આવા ઘણા બધા આયોજન કરે છે. જેમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં તથા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈ કારીગરો પોતાની કળા બતાવી શકે છે, રોજગારી મેળવી શકે છે તથા પોતાની કળા ભારતમાં ખૂણે ખૂણે સુધી પહોંચાડી શકે છે. રાજ્ય સરકાર જયારે આવા ક્રાફ્ટ મેળાનું આયોજન કરે છે તો એમાં વિવિધ કારીગરો ભાગ લઇ શકે એ માટે સરકાર કારીગરોને આવવા જવાનું ભાડુ, રોજ દીઠ ભથ્થું, ફ્રી સ્ટોલ અને બીજી જરૂરી સગવડો પૂરી પાડે છે.

મહિલા સશક્તિકરણ અને ક્રાફ્ટ બજાર અને ઉજ્જવળ ભવિષ્ય
આજનાં આધુનિક સમયમાં મહિલા કારીગરોને પોતાની કલા કારીગરી બતાવવા માટે અને આગળ વધવા માટે સરકાર દ્વારા યોજાતા ક્રાફ્ટ મેળાઓ ખૂબ જ મદદરૂપ થઇ રહ્યા છે. મહિલાઓ ધીમે ધીમે કલા ક્ષેત્રમાં બહાર આવી રહી છે. ક્રાફ્ટ બજાર દ્વારા મહિલાઓ પોતાના લોકલ વિસ્તારમાં તથા બીજા જિલ્લાઓમાં પોતાનાં હુન્નરથી રોજગારી મેળવી રહી છે અને પગભર થઇ રહી છે અને દેશનાં આર્થિક અને સામાજિક વિકાસમાં અમૂલ્ય યોગદાન આપી રહી છે. સ્ત્રી સશક્તિકરણ માટે સ્ત્રીઓને આર્થિક પગભર થવું સૌથી વધારે જરૂરી છે. મહિલાઓને પ્રોત્સાહન મળે અને આર્થિક રીતે સ્વાવલંબી બને એ ઉજ્જવળ ભવિષ્યની નિશાની છે.




