રોગાન ચિત્રકળા : કળા એક ખૂબીઓ અનેક

કોઈ પણ કળા વિશે લખવું એટલે સુરજને દિવો બતાવવા જેવી વાત થઇ. કલાને ના તો કોઈ સરહદ નડે કે ના તો કોઈ ભાષા. કળા એ પોતે જ ભાષાનું કામ કરે છે. કોઈ પણ કળા હોય જેમકે નૃત્ય, નાટ્ય, સંગીત, ગાયન કે ચિત્રકલા અને બીજી ઘણી બધી કળાઓ એમની કંઈક ને કંઈક ખૂબીઓ હોય છે. રોગાન ચિત્રકળા એટલે એક પ્રકારની ચિત્રકલા. આપણે ગુજરાતીઓ તો આજે પણ સામાન્ય રીતે જયારે પણ ઘરમાં રંગ કરાવીએ ત્યારે આપણે કહીએ છીએ કે રંગરોગાન ચાલુ છે. એટલે ગુજરાતીમાં તો આપણે રોગાન એટલે રંગ કરવો એમ કહી શકાય. રોગાન કળાની ઘણી બધી ખૂબીઓ છે અને બધી ખૂબીઓ બહુ જ અદ્ભૂત છે.

તૈલીય ચિત્રકળા / ડ્રાઈગ ઓઇલ  ટેક્નિક

રોગાન  ચિત્રકળા : કળા એક ખૂબીઓ અનેક. boiled oil for Rogan paste
એરંડીયા તેલની પેસ્ટ

રોગાન કળાની પેહલી ખૂબી એ છે કે આ કળા તેલ આધારિત છે. એરંડીયા તેલને ધીમે તાપે ઘણા કલાકો સુધી ઉકાળવામાં આવે છે, પછી તેને ઠંડુ થવા દેવાય છે. તેલ ઠંડુ થાય એટલે એ જાડુ થઇ જાય છે અને  ગુંદર જેવું થઇ જાય છે. આ જે પેસ્ટ બની છે તેમાં થોડો ચોક પાવડર અને રંગ મેળવવામાં આવે છે આને રોગાન રંગ પેસ્ટ કહેવાય છે જેનો રોગાન ચિત્રકળામાં ઉપયોગ કરવામાં આવે છે. આ જે રોગાન રંગ પેસ્ટ બને છે એમાં ડ્રાઇંગ ઓઇલ ટેક્નિકનો ઉપયોગ થાય છે. ડ્રાઇંગ ઓઇલ ટેક્નિક એટલે એવી પદ્ધતિ કે જેમાં  એવા તેલનો ઉપયોગ થાય છે જે તેલ ઉકાળવાથી જાડુ થાય છે અને પછી જયારે  હવાના સંપર્કમાં આવે ત્યારે ધીમે ધીમે સુકાય છે. રોગાન કળાના ચિત્રકાર આ પદ્ધતિનો  ઉપયોગ કરે છે.

પ્રાચીન રોગાન કલા

રોગાન કળા એ અતિ પ્રાચીન કળા છે. રોગાન કળા એ લગભગ 1550 વર્ષ  જુની અને ભગવાન બુદ્ધના સમયથી ચાલી આવતી આ કળા છે. યુનેસ્કો (UNESCO ) દ્વારા 2008 કરવામાં આવેલા એક સંશોધનમાં રોગાન કળાના પુરાવા મળ્યા છે. અફઘાનિસ્તાનના એક શહેર બામિયાનમાં હિન્દૂ કુશ પર્વતમાળામાં બૌદ્ધ ગુફાઓ મળી આવી. આ ગુફાઓ માં ભગવાન બુદ્ધના અનુયાયી દ્વારા કરવામાં આવેલા બુદ્ધના ચિત્રો મળી આવ્યા. ભગવાન બુદ્ધના અનુયાયીઓ એ જે ભગવાન બુદ્ધનું ચિત્ર બનાવ્યું હતું એમાં ડ્રાઇંગ ઓઇલ ટેક્નિકનો ઉપયોગ કર્યો હતો. ભગવાન બુદ્ધના ચિત્રમાં જે પદ્ધતિ વાપરી હતી એ તેલ આધારિત રંગ બનાવવાની પદ્ધતિ હતી જેનો આજે પણ રોગાન ચિત્રકાર ઉપયોગ કરે છે. આમ આપણે કહી શકીએ કે આ કળા સદીઓ પુરાની કળા છે જેનો ઉપયોગ બુદ્ધના અનુયાયીઓ કરતા હતા. આ કળા આપણો અતિ પ્રાચીન વારસો છે.

પીંછી કે પેન્સિલ વગર ફક્ત દોરી જેવી પાતળી લાળની ખૂબી

લોખંડનાં નાના સળિયા વડે રોગાન પેસ્ટમાંથી ઝીણી લાળથી ડિઝાઇન બનાવતા રોગાન કળાકાર આશિષ કંસારા. Ashish Kansara doing Rogan art painting
લોખંડનાં નાના સળિયા વડે રોગાન પેસ્ટમાંથી ઝીણી લાળથી ડિઝાઇન બનાવતા રોગાન કળાકાર આશિષ કંસારા

આ રોગાન કળાની ખાસ ખૂબી એ પણ છે કે એમાં કોઈ પણ જાતની કોઈ પિંછી કે પેન્સિલનો ઉપયોગ નથી થતો કે નથી ચિત્ર દોરવામાં આવતું. આ કળા તો બસ રોગાન કળાકારની અંતરની સુઝબૂઝથી થાય છે. રોગાન ચિત્રકારો એવી ખૂબીથી ચિત્ર કાપડ પર ઉતારે છે કે બસ જોતા જ રહી જઈએ. એરંડીયા તેલની ઉકાળેલી પેસ્ટ,પછી એમાં રંગ ભેળવવા એ પણ રોગાન કળાકારની ધીરજપૂર્વકની મહેનત છે. આ બધું કર્યા પછી એટલે કે જયારે રોગાન કૃતિ બનાવાની હોય ત્યારે રોગાન કળાકાર રોગાન રંગ પેસ્ટને હાથની હથેળીમાં લે છે, લાકડાં કે લોખંડનાં નાના સળિયા વડે ધીમે ધીમે ઘસે છે જેથી એ સોફ્ટ થાય છે પછી આ પેસ્ટમાંથી સળિયા વડે ઝીણી દોરી  જેવી  લાળ ઉપાડવામાં આવે છે અને સળિયા વડે એ લાળથી ખૂબ જ આવડતથી કાપડ ઉપર ડિઝાઇન કરવામાં આવે છે. આ ખૂબી ફક્ત માસ્ટર કારીગર હોય એ જ કરી શકે છે. આ રોગાન કળાની મોટામાં મોટી ખૂબી છે.

રોગાન ચિત્રકળા: છાપ ચિત્ર

અડધું રોગાન ચિત્ર અને સામેની બાજુ એની છાપ મેળવેલું ચિત્ર. Rogan painting fooled and without folded
અડધું રોગાન ચિત્ર અને સામેની બાજુ એની છાપ મેળવેલું ચિત્ર

રોગાનમાં જે રંગો વપરાય છે એ તૈલી છે. રોગાન કળાકાર જયારે કાપડ ઉપર ચિત્ર બનાવે છે ત્યારે આ તૈલી રંગો કપડાંમાં બરાબર ઉતરી જાય એ માટે અડધા કાપડ પર ચિત્ર બનાવે છે અને પછી એને સામેની અડધી બાજુ છાપવામાં આવે છે. અને આવી રીતે આખું ચિત્ર તૈયાર થાય છે પછી તેને સફેદ રંગના ઝીણા ટપકા અને બીજા રંગની ઝીણી લાઈનોથી શણગારવામાં આવે છે એવી રીતે આ અદ્ભૂત રોગાન કળાચિત્ર બને છે. આવી રીતે રોગાન કળા કાપડ પર કરવામાં આવે છે અડધી બાજુ રોગાન ચિત્ર કરવાનું અને અડધી બાજુ એને વાળી ને ધીમેથી દબાવવાનું કે જેથી તેની તેની છાપ છપાઈ જાય અને પૂરું ચિત્ર બને, એટલે એને રોગાન છાપ એમ કહેવાય છે.

રોગાન રંગો પાણીમાં રાખવામાં આવે છે.

પાણીમાં રાખેલ રોગાન રંગ પેસ્ટ, Rogan paste in water
પાણીમાં રાખેલ રોગાન રંગ પેસ્ટ

રોગાન ચિત્રકળા એક એવી કળા છે જેમાં તૈલીય રંગો વપરાય છે. એરંડીયા તેલને ઉકાળીને એની જાડી પેસ્ટ બને છે. પછી એમાં ચોક પાવડર અને રંગ ભેળવીને રોગાન રંગ પેસ્ટ બને છે. આ રંગ પેસ્ટ તૈલી હોય છે એટલે હવાનાં સંપર્કમાં આવે તો આ પેસ્ટ સુકાઈ જાય છે. રોગાનમાં એકદમ સુંવાળી અને લીસી પેસ્ટ વપરાય છે એટલે આ પેસ્ટને હવા / ઓક્સિજનથી બચાવવા માટે તેને પાણીમાં મુકવામાં આવે છે કે જેથી ઓક્સિજનનો સંપર્ક ધીમો કરી શકાય અને તેને સુકાતી બચાવી શકાય. રોગાન પેસ્ટ પાણીમાં રાખીએ તો પણ એ ધીમે ધીમે ઓક્સિજનનાં/હવાનાં સંપર્કમાં આવે છે અને સુકાય છે એટલે રોગાન કળાકાર એનો જેમ બને એમ જલ્દી ઉપયોગ કરે છે અને થોડી થોડી જ રોગાન પેસ્ટ બનાવે છે.

રોગાન ચિત્ર ને તડકામાં સુકાવાય છે.

સુકાવવા માટે તડકામાં રાખેલ રોગાન પીસ
સુકાવવા માટે તડકામાં રાખેલ રોગાન પીસ

રોગાન કળા ની ખાસિયત એ પણ છે કે જયારે રોગાન પીસ બનાવીએ ત્યારે એને સુકાવા માટે આકરા તડકાંની જરૂર પડે છે કેમકે  જે પેસ્ટ વપરાય છે એ તૈલીય છે એટલે એને સૂકાતા વાર લાગે છે. ઓછા મા ઓછું બે થી ત્રણ વખત એને તડકાંમાં સુકાવવું પડે છે. એક પીસ ને સૂકાતા 6 થી 7 કલાક લાગે છે. વાદળ છાયું વાતાવરણ અને ચોમાસામાં જયારે તકડો ઓછો હોય છે અથવા બિલકુલ નથી હોતો ત્યારે રોગાન કામ ઓછું થાય છે કારણ કે આકરા તડકા સિવાય રોગાન પીસ ને સુકાવાનો બીજો કોઈ ઉપાય નથી.

સદીઓ સુધી ટકી રહે એવી કળા: રોગાન કળા

રોગાન ચિત્રકળા એવી કળા છે કે જો એક વાર કરવામાં આવે તો વર્ષો સુધી ટકી રહે છે. આપણને બામિયાન અફઘાનિસ્તાન જે બૌદ્ધ ગુફામાંથી રોગાન કળાનાં જે અંશ મળ્યા છે એ સદી ઓ જુના છે અને અત્યાર સુધી ટકી રહ્યા છે જેના માટે આપણા બૌદ્ધ અનુયાયીઓ ને સત સત વંદન છે જેમણે આપણને એક દિશાસૂચન કર્યું. તેમણે કળાને ભક્તિ સાથે જોડી, ને સાથે સાથે વૈજ્ઞાનિક અભિગમ પણ અપનાવ્યો. બૌદ્ધ સાધુઓ અલગ અલગ પ્રકારના તેલ, એને ઉકાળવાથી બદલતું રાસાયણિક બંધારણ, એમાં કુદરતી રંગોની મેળવણી વગેરેથી તેઓ માહિતગાર હતા. એ સમયમાં એરંડીયું તેલ, અળસીનું તેલ, અખરોટનું તેલ અને તલનું તેલ રોગાન બનાવવા માટે વપરાતું હતું. આજે રોગાન બનાવવા માટે એરંડીયા તેલનો ઉપયોગ કરવામાં આવે છે.

રોગાન કળાચિત્ર કલ્પવૃક્ષ

રોગાન કળા કલ્પવૃક્ષ. tree of life Rogan painting
રોગાન કળા કલ્પવૃક્ષ

કલ્પવૃક્ષ /જીવન વૃક્ષ / જ્ઞાન વૃક્ષ આ રોગાન કળામાં બનતી પ્રખ્યાત કૃતિ છે. જેમાં વપરાતા તૈલીય રંગોથી ચિત્ર બનાવવું એ કળાકારની એક મોટામાં મોટી ખૂબી છે. કલ્પવૃક્ષના રંગો, એની કુદરતી ભાત, સૂરજ, પાન, પક્ષીઓ, પ્રાણીઓ તથા  ઝીણા ટપકા અને ભાત ભાતની લાઈનો એ બધા પ્રકૃતિનાં તત્વોનું  રોગાન કળામાં આબેહૂબ નિરૂપણ છે. કોટન કાપડ, એરંડ્યું તેલ, રંગો એ બધું કુદરતી રીતે મળતાં તત્વોમાંથી રોગાન કળા માં કલ્પવૃક્ષનું સર્જન કરવું એ ખરેખર કલાકારની સુંદર કારીગરીની કમાલ છે. કલ્પવૃક્ષ /જીવનવૃક્ષ આપણી પ્રાકૃતિક સામાજિક, અને આધ્યાત્મિક વારસાની ધરોહાર છે, આ વારસાને રોગાન કૃતિમાં ઢાળવી એ ખરેખર ગૌરવ લેવા જેવી વાત છે. આપણી રોગાન કળાનું આ કલ્પવૃક્ષ એ ફક્ત કળાનો નમૂનો નથી પણ આપણા સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રતિક છે.

રોગાન કળાનું જતન કરતાં કારીગર આશિષ કંસારા

રોગાન કળા કલ્પવૃક્ષ. tree of life Rogan painting
રોગાન કળાનાં માસ્ટર આશિષ શાંતિલાલ કંસારા બાળકોને રોગાન કળા બતાવી રહ્યા છે.

આજના આ મશીન યુગમાં આ સદીઓ જૂનો રોગાન કળાનો વારસો જાળવી રાખવોએ કોઈ ચમત્કારથી ઓછું નથી. આજે આ રોગાન કળાનાં સાવ થોડાક જ કારીગરો આ કળા જાળવી રહ્યા છે. આવા જ એક રોગાન કારીગર આશિષ શાંતિલાલ કંસારા માધાપર, ભુજ કચ્છમાં રહે છે અને તેમને મળેલી  વારસાગત કળાને સાચવીને બેઠા છે. તેમને વારસામાં મળેલી રોગાન કળા તેમની પત્ની કોમલ આશિષ કંસારાએ પણ અપનાવી છે. આશિષ અને કોમલ કંસારા આ રોગાન કળાને જતનપૂર્વક આગળ વધારી રહ્યા છે. આશિષ અને કોમલ અત્યારે લગભગ 50 થી પણ વધુ બહેનોને રોગાન કળાનાં માધ્યમથી રોજગારી આપી રહ્યા છે. તેઓ બન્ને પતિ પત્ની રોગાન કળાનાં ફ્રી વર્કશોપ કરે છે, સ્કૂલ તથા યુનિવર્સિટીમાં રોગાન કળાનું પ્રદર્શન કરે છે કે જેથી આપણી આવનારી યુવાન પેઢી આ કળાનું મહત્વ સમજે અને તેનું જતન કરે.

રોગાન કળા

આપણો વારસો

આપણો વારસો, આપણું ગૌરવ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top