ગરબો એટલે શુ?
ગરબો એટલે માટી ની નાની માટલી જેમાં કાણા કરેલા હોય છે. આમ તો માટલી નો સામાન્ય ઉપયોગ આપણે પાણી ભરવા માટે કરતા હોઈએ છીએ પણ એ જ માટલી જયારે ગરબા નું રૂપ લે એનું મહત્વ અલગ જ થઇ જાય છે. નવરાત્રીનો તહેવાર આવે ત્યારે માતાજી ના મંદિરો માં, ઘરો માં ગરબા ની સ્થાપના કરવામાં આવે છે. ગરબા માં કોઈ પણ ધાન્ય જેમકે ઘઉં કે મગ થોડા નાખી પછી એમાં પ્રગટાવેલો દીવો મુકવામાં આવે છે.
મનુષ્ય જીવન સાથે ગરબાની સરખામણી
આપણે એમ કહેતા હોઈએ છીએ કે મનુષ્યે માટી માંથી જન્મ લીધો છે અને માટી માં મળી જવાનુ છે. માટી નો ગરબો આપણને એ સમજણ આપે છે કે મનુષ્યનું જીવન પણ માટલી જેવું છે જેને સાચવવું પડે છે. ગરબામાં રહેલો સળગતો દીવો પ્રાણવાયુનો પ્રતીક છે, જ્યાં સુધી એમાં ઘી છે ત્યાં સુધી સળગતો રહેશે. જયારે ગરબામાં ઘી ખલાસ થઇ જાય છે ત્યારે એ ઓલવાઈ જાય છે. ગરબા નો દીવો એ શીખ આપે છે કે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી જેમ દીવો અજવાળું આપે છે એમ માણસે પણ બીજા ને ઉપયોગી કામ કરતા રહેવા જોઈએ.
ગરબો -આદ્યશક્તિ નું પ્રતિક
નવરાત્રી એ આદ્યશક્તિ માઁ અંબેની આરાધનાનો તહેવાર છે. માઁ આદ્યશક્તિ શક્તિના પ્રતિક રૂપે ગરબાની સ્થાપના કરવામાં આવે છે. આદ્યશક્તિના વિવિધ સ્વરૂપોની પૂજા નવ દિવસ સુધી કરવામાં આવે છે. ગરબાને માંડવી (મંડપ ) નીચે સ્થાપી તેની ગોળ ફરતે માતાજીના ગરબા ગવાય છે, સ્તુતિ અને આરતી કરાય છે. લોકો માઁ પાસે જીવનમાં આવતી મુશ્કેલીનો સામનો કરવાની શક્તિ માંગે છે. ગરબાની જ્યોત લોકોના જીવનમાં જ્ઞાનની જ્યોત બને એવી પ્રાર્થના કરવામાં આવે છે.
ગરબો –પૃથ્વીનું અને સમગ્ર બ્રહ્માંડનું પ્રતિક
ગરબાનું સ્વરૂપ પૃથ્વીના સ્વરૂપ જેમ ગોળ છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વીના પેટાળ માં ગરમી લાવા સ્વરૂપે રહેલી છે. એવી જ રીતે ગરબામાં રહેલી જ્યોત હોય છે. ગરબાનો ગોળ આકાર બ્રહ્માંડની અનંત શક્તિનું વહન કરે છે કે જેનો કોઈ છેડો નથી, કોઈ અંત નથી. ગરબાની જ્યોત મનુષ્યોને બ્રહ્માંડની અખંડ શક્તિનો પરિચય આપે છે.
ગરબો -આધ્યાત્મિક શક્તિનું પ્રતિક
માટીના ગરબાને માણસના શરીર સાથે સરખાવવામાં આવે છે અને એનામાં રહેલી સળગતી જ્યોતને મન સાથે સરખાવવામાં આવે છે. માઈ ભક્તો મનને ભક્તિમય રાખવા માઁ ની આરાધના કરે છે, ભક્તિની જ્યોત મનમાં જલાવે છે. લોકો દૈવી શક્તિનું આહવાન કરે છે. નવરાત્રીના દિવસોમાં માઁ ની આરાધના કરે છે, વ્રત, જપ તપ, હોમ હવન કરે છે. ગરબા ના દીવામાં ઘી રેડી જ્યોત જલતી રાખે છે એવી જ રીતે મન માં ભક્તિની જ્યોત જલતી રાખે છે.
જય માઁ અંબે